પોલીસ કમિશનર, વડોદરા
http://www.cpvadodara.gujarat.gov.in

મહિલાઓએ શું કરવું ?

5/28/2020 9:34:06 PM

 

સ્ત્રીઓએ અત્યાચારો રોકવા શું કરવું જોઈએ

·        પતિ દ્વારા કે સાસરી પક્ષ દ્વારા થતા અત્યાચારના કિસ્સાઓમાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો, કાનૂની સલાહ લેવી અને પોતાના રક્ષણ માટેની રજૂઆત કરવી.

·        દહેજ આપવું અને લેવું તે સામાજિક દૂષણ અને કાયદા હેઠળ ગુનો છે. જેથી આવા પ્રસંગોએ કાયદાનો સહારો લેવો. લગ્નજીવન દરમિયાન મહિલા અત્યાચારના કારણભૂત મુખ્ય પરિબળો પૈકી દહેજ એક છે.  મહિલા અત્યાચાર રોકવા માટે મહિલાઓમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે.

·        સ્ત્રી અને પુરુષને બંધારણમાં સમાન હક્કો આપેલા છે. જેથી પોતાના હક્ક ઉપર કોઈ તરાપ મારતું હોય કે પોતાના ગૌરવનું હનન થતું હોય તો તેની સામે ઉચિત કાયદેસરનાં પગલાં લેવાની કાર્યવાહી કરવી જોઈએ.

·        બાળલગ્ન, દહેજપ્રથા,મહિલાનું શોષણ અને વેશ્યાવૃત્તિ માટે પ્રેરતી બાબત, એક કરતાં વધુ પતિપ્રથા તથા ભ્રૂણહત્યાઓ કાનૂની અપરાધ હોઈ આવા કોઈ દૂષણનો ભોગ બનવાની સંભાવના હોય તો સ્થાનિક પોલીસનો સંપર્ક સાધવો. ગર્ભમાંના બાળનું જાતીય પરીક્ષણ કરી શકાતું નથી. આવા પરીક્ષણ કરતા સોનોગ્રાફી સેન્ટરનું અવારનવાર આરોગ્ય ખાતા દ્વારા ચેકિંગ કરાવી ગર્ભાવસ્થાનો તબીબી અંત ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

·        મહિલા અત્યાચાર સંબંધિત બાબતે આપના વિસ્તારમાં આવેલી મહિલા સામાજિક સંસ્થાઓ, નારી સંરક્ષણ સંસ્થાનો સંપર્ક સાધવો તેમ જ જિલ્લા મથકોએ મહિલા સેલ અને જુવેનાઇલ જસ્ટિસ સેલ પણ હોવાથી જરૂર પડે આવા સરકારી તેમ જ સામાજિક સંસ્થાનો સહકાર લેવો.

·        લગ્ન સમયે સ્ત્રીને તેના પિયર અને સાસરી પક્ષ તરફથી જે વસ્તુઓ મળેલી છે તે લગ્ન પછી આવી ચીજવસ્તુઓ (રોકડ નાણું, દાગીના તેમ જ ભેટ સ્વરૂપમાં અન્ય વસ્તુઓ) સ્ત્રીધન તરીકે ગણાય છે. જે સ્ત્રીધન, સ્ત્રી જ્યારે સાસરે જાય ત્યારે સાસરી પક્ષને સોંપે છે. જેથી તેણીના પતિ અથવા તો સાસરી પક્ષના સંબંધીઓ આ સ્ત્રીધનના માત્ર ટ્રસ્ટી જ ગણાય છે. લગ્ન બાદ જો કોઈ પરિણીત સ્ત્રીને તેના પતિ કે સંબંધીઓ સાથે કોઈ કારણસર અણબનાવ થતાં લગ્નવિચ્છેદ કે છૂટાછેડાનો પ્રસંગ બને અને આ સંજોગોમાં સ્ત્રી તેનું સ્ત્રીધન સાસરી પક્ષ પાસેથી પરત મેળવવાની માગણી કરે તો સાસરી પક્ષના સંબંધીઓ દ્વારા આનાકાની કરી ધાકધમકીઓ આપવામાં આવે છે. અથવા તો સ્ત્રીધન પરત આપવામાં આવતું નથી. આ ઇન્ડિયન પિનલ કોડ કલમ ૪0૬, દહેજ પ્રતિબંધક ધારા કલમ ૩ અને ૭ મુજબ પોલીસ અધિકારનો ગુનો બને છે. આવા કિસ્સાઓમાં જ્યારે સ્ત્રીધન પરત મેળવવા માટે માગણી કરવામાં આવે ત્યારે સ્ત્રીને તેની સલામતી માટે પોલીસ રક્ષણ/એસ્કોર્ટ પૂરું પાડવામાં આવે છે. અને આ પ્રકારના દહેજ ત્રાસના કારણે સ્ત્રી આપઘાત કરે તો તે ઇન્ડિયન પિનલ કોડ કલમ ૪૯૮(ક), ૩૦૪બી, ૩૦૬ દહેજ પ્ર.બં.ધા.ક. ૩ અને ૭ મુજબનો ગુનો બને છે અને પુરાવા અધિનિયમ ક. ૧૧ર (બી)માં અંગે 'માની લેવાની' જોગવાઈ છે કે સ્ત્રી ઉપર દહેજ ત્રાસ હતો.

·        બળાત્કાર અંગેના કેસ ઇનકેમેરા ટ્રાયલ કોર્ટમાં ચલાવવા ફરજિયાત છે અને ભોગ બનનારી સ્ત્રીની ઓળખ ન થાય તે માટે આવી હકીકતો છાપાઓમાં - જાહેર અખબારોમાં પ્રસિદ્ધ કરવાની થતી નથી સિવાય કે સીઆરપીસી ક.3ર૭ (3) હેઠળ કોર્ટે મંજૂરી આપી હોય, સ્ત્રી બળાત્કાર જેવા ગુનાનો ભોગ બની હોય ત્યારે ભોગ બનનારી વ્યક્તિનું નામ કે તેની ઓળખ છાપે કે પ્રસિદ્ધ કરે તો ઇન્ડિયન પિનલ કોડ કલમ રર૮ મુજબ ગુનો બને છે.

·        હિન્દુ વારસા અધિનિયમ ૧૯પ૬ની કલમ -૬માં સને. ર00પમાં થયેલા સુધારા મુજબ સમભાગી મિલકતોમાં સંયુક્ત હિન્દુ કુટુંબોમાં દીકરી સહભાગી પુત્રની જેમ જ જન્મથી જ પોતાના અધિકારની સહભાગી બને છે અને જો તેણી પુત્ર હોત અને જે અધિકારો મળ્યા હોત તેવા જ અધિકારો મિલકતમાં રહેશે.

·        જાહેર જગ્યામાં આછાં અને ઓછાં કપડાં પહેરી અશ્લીલતા ઊભી થાય કે જાતીય આવેગ કે જાતીય ઉશ્કેરણી થાય તેવાં વસ્ત્રો પરિધાન ન કરવાની કાળજી રાખવી જોઈએ.

·         ભણો, ભણાવો અને પગભર બનો અને ખોટી અંધશ્રદ્ધા અને વહેમથી દૂર રહો.

·        તરુણાવસ્થામાં મૂંઝવતા જાતીય પ્રશ્નો બાબતે મા-બાપ સાથે મુક્ત મને ચર્ચા કરી, નિવારણ કરવું. જેથી ખોટી રીતે ઉશ્કેરાટ અને આ આવેગના કારણે અઘટિત પગલું ભરવાના પ્રસંગો ટાળી શકાય.

·        લગ્નજીવનમાં મૂંઝવતા પ્રશ્નો અને ગેરસમજ સંબંધે માર્ગદર્શન મેળવવા સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સેલ, મહિલા પોલીસનો સંપર્ક કરવો.

·        કન્યા કેળવણીને ઉત્તેજન આપવાની રાજ્ય સરકારની નીતિ મુજબ બાળાઓ અભ્યાસ માટે વધુમાં વધુ દાખલ થાય તેનો લાભ લેવો જોઈએ.

·        ગુંડા અને મવાલીથી બચવા પોતાની જાતને પ્રતિકાર કરી શકે તે રીતે કેળવવાની તાલીમો લેવી જોઈએ. સેલ્‍ફ ડીફેન્‍સ જરૂરી છે.